શું તમે જાણો છો તમારી જમીન માટે કયું ખાતર સારું રહેશે? જો ના હો તમારે સોઇલ હેલ્થ કાર્ડ વિશે જાણવું જરૂરી છે.
સોઇલ હેલ્થ કાર્ડ એ જમીનનું બંધારણ દર્શાવતું કાર્ડ છે. સામાન્ય ભાષામાં સોઇલ એટલે જમીન. હેલ્થ એટલે તંદુરસ્તી. આમ, સોઇલ હેલ્થ કાર્ડ એટલે જમીનની તંદુરસ્તી દર્શાવતું કાર્ડ. જેમ આપણી તંદુરસ્તી માટે આપણે ડૉક્ટરની ફાઇલ રાખીએ છીએ જેમાં આપણાં શરીરમાં થયેલી તકલીફો વિશેની માહિતી મળી રહે, તે જ રીતે સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનના બંધારણ વિશે માહિતી મળી રહે. આપણને કોઈ શારીરિક તકલીફ થાય તો ડૉક્ટર આપણને રિપોર્ટ કઢાવવાનું કહે એ જ રીતે, સોઇલ હેલ્થ કાર્ડ આપણી જમીનનો રિપોર્ટ છે.
SHC જમીન વિશેના 12 પરિમાણો પર આધારિત હોય છે જેવાં કે, જમીનમાં નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર, ઝીંક, બોરોન, આયર્ન, મેંગેનીઝ, કોપર વગેરેનું પ્રમાણ, જમીનની ph, જમીનની વિદ્યુત વાહકતા, જમીનનો રંગ વગેરે.
આ સ્કીમ ભારત સરકારના દ્વારા ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની મદદથી ખેતી અને સહાયક ખાતાના ઉપક્રમે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવવામાં આવે છે.
તેનો હેતુ દરેક ખેડૂતને તેની જમીનનું બંધારણ વિશે જાણ કરવાનો અને તે દ્વારા તેણે કયા પ્રકારનું ખાતર કેટલા પ્રમાણમાં વાપરવું તેનો નિર્દેશ આપવાનો છે, જેથી વધુ પડતાં ખાતરના ઉપયોગથી જમીનને થતું નુકશાન રોકી શકાય અને જરૂરિયાત મુજબના ખાતરના વપરાશથી જમીનની ફળદ્રુપતા વધારી શકાય. જેના પરિણામે ખેડૂતો ઓછી પડતરમાં મબલખ પાક રળી શકે.
હવે, સોઇલ હેલ્થ કાર્ડ કાઢવી તો લીધું, પણ એનું કરવું શું? ખેતીમાં એનો ઉપયોગ શું? તો, જેમ ડૉક્ટર આપનો રિપોર્ટ જોઈએને દવા લખે, એમ સોઇલ હેલ્થ કાર્ડ પરથી આપણને ખબર પડે કે, આપણી જમીનમાં ખેતી માટે જરૂરી કયા તત્વો ઓછા છે અને આપણે કયું ખાતર ઉમેરવાની જરૂર છે. જરૂર મુજબના જથ્થામાં જરૂરી તત્વો ધરાવતું ખાતર ઉમેરવાથી જમીનની ફળદ્રુપતા વધે અને મબલખ પાક ઓછા ખર્ચે લઈ શકાય.
એક વાર સોઇલ હેલ્થ કાર્ડ કાઢવી લીધું, તો શું એ જીવનભાર ચાલે? એવો પ્રશ્ન થાય. પણ એવું નથી. આપણે આપણી તંદુરસ્તી માટે નિશ્ચિત સમયગાળામાં રિપોર્ટ કાઢવીએ, એ જ રીતે જમીનમાં પણ પાક લેવાથી તેની ફળદ્રુપતા ઓછી થતી જાય છે. માટે દર 2 વર્ષે સોઇલ હેલ્થ કાર્ડ નવેસરથી કાઢવામાં આવે છે જેથી બે વર્ષ દરમિયાન લીધેલા પાકોના કારણે જમીનમાં કયું તત્વ ઓછું થયું તે જાણીને તેની ભરપાઈ કરવા માટે જરૂરી ખાતર ઉમેરી શકાય.
ગમે તે રીતે જમીનમાંથી નમૂના ન લઈ શકાય. તે માટેના ચોક્કસ ધોરણો હોય છે. જેમકે, પિયત અપાતું હોય એવી જમીનમાં 2.5 હેક્ટર અને કુદરતી સિંચાઇ થતી હોય એવી જમીનમાં 10 હેક્ટરની ગ્રીડમાં GPS તથા મહેસૂલી નક્શાઓની મદદથી નમૂના લેવામાં આવે છે.
સોઇલ હેલ્થ કાર્ડ માટે જમીનમાંથી નમૂના લઈને તેને લેબોરેટરીમાં મોકલવાના હોય છે. તો હવે એ પ્રશ્ન સ્વાભાવિક છે કે, નમૂના કોણ લેશે? આપણે જાતે નમૂના લેવાના નથી. એ માટે રાજ્ય સરકારના કર્મચારી અથવા રાજ્ય સરકાર દ્વારા નીમેલી એજન્સીના કર્મચારી તમારા ખેતરમાંથી જમીનના નમૂના લઈ શકશે. આ માટે કૃષિ અથવા વિજ્ઞાન કોલેજોના વિધ્યાર્થીઓની મદદ પણ રાજ્ય સરકાર લઈ શકે.
જમીનના નમૂના સામાન્ય રીતે વર્ષ દરમિયાન બે વાર લેવામાં આવે. રવી અને ખરીફ પાકની લણણી થયા પછી અથવા જ્યારે જમીન પર કોઈ પાક ન હોય ત્યારે.
પ્રશિક્ષિત વ્યક્તિ દ્વારા જમીનમાં 15 થી 20 સેમી ની ઊંડાઈએ “V” આકારનો કાપ મૂકવામાં આવે. ખેતરના ચારે ખૂણા અને મધ્યમાંથી માટી લેવામાં આવે અને તેને બરાબર મિશ્રિત કરીને તેનો એક ભાગ નમૂના તરીકે લેવામાં આવે છે. આ રીતે લીધેલા નમુનાઓને કોથળીમાં ભરીને તેને કોડ આપવામાં આવે છે. ત્યારબાદ તેને વિશ્લેષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.
સોઇલ ટેસ્ટ લેબોરેટરી એ ઉપર જણાવેલ 12 પરિમાણો માપવા માટેની જ્ગ્યા છે. આ લેબોરેટરી સ્થાયી પણ હોય શકે અથવા મોબાઈલ એટલે કે, અસ્થાયી પણ હોઈ શકે.
નમુનાઓની ચકાસણી માન્ય ધોરણો મુજબ ઉપર દર્શાવેલા 12 પરિમાણો માટે નીચે મુજબની રીતે કરવામાં આવે છે.
રાજ્ય સરકારને દરેક નમૂના દીઠ 190/- રૂપિયા આપવામાં આવે છે. તેમાં નમૂના લેવાના, તેની ચકાસણી કરવાના અને ખેડૂતને સોઇલ હેલ્થ કાર્ડ વહેંચવાના ખર્ચનો સમાવેશ થાય છે.
જો આ વિષય અંગે તમારે વધુ માહિતી જોઈતી હોય તો www. soilhealth.dac.gov.in પર જાઓ.